નડિયાદના NRIની 7 વર્ષિય દીકરીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો, 3 અપહરણકારો ઝબ્બે

નડિયાદમાં દાદી સાથે રહેતી NRI પરિવારની 7 વર્ષિય બાળકીના અપહરણના ત્રણ દિવસ બાદ તેનો મૃતદેહ આંકલાવ પાસેના નાની સંખ્યાડ ગામેથી મળી આવ્યો હતો. પોલીસે ખેતરના કોતરોમાંથીબાળકીનો મૃતદેહ કબજે લઇ તપાસ હાથ ધરી હતી. તો બીજીતરફ પોલીસે બાળકીને મોતને ઘાટ ઉતારનાર ત્રણ અપહરણકારોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના સંતરામ દેરી રોડ પાસેના અંતરિયાળ લક્ષ ડુપ્લેક્ષમાં દાદી સાથે NRI પરિવારની 7 વર્ષની બાળકી તાન્યા રહેતી હતી. એસએનવી સ્કૂલમાં ધો. 2માં અભ્યાસ કરતા તાન્યાનું સોમવારે રાત્રે તેના ઘર આગળથી અપહરણ થતા ચકચાર મચી હતી. તાન્યાના અપહરણ દરમિયાન આ વિસ્તારમાં 10 મિનિટ માટે લાઇટો બંધ થઇ હતી. જ્યારે પોલીસે પણ અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ કરતા બાળકીને અપહરણકારોના કબજામાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, પોલીસ બાળકીને જીવિત શોધવામાં નિષ્ફળ રહી હતી. આ 7 વર્ષિય બાળકીનો મૃતદેહ આંકલાવ પાસેના નાની સંખ્યાડ ગામેથી મળી આવ્યો હતો. પોલીસે ખેતરના કોતરોમાંથી બાળકીની લાશ કબજે કરી હતી. પરંતુ લાશ પૂરેપૂરી કોહવાયેલી હાલતમાં હોવાથી કપડા પરથી પોલીસે આ લાશ તાન્યાની હોવાનો અંદાજ લગાવ્યો હતો. જ્યારે પોલીસે બાળકીને મોતને ઘાટ ઉતારનાર ત્રણ અપહરણકારોને ઝડપી પાડ્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter