તામિલનાડુના રાજકારણમાં એક સાથે બે સુપરસ્ટારે ઝંપલાવ્યું, પહેલાં રજનીકાન્ત હવે કમલ હસન

કમલ હસનના રાજકારણમાં પ્રવેશની સાથે જ તેમના કરોડો ફેન પણ તેમને અનુસરશે એમાં શંકાને સ્થાન નથી. જોકે રજનીકાન્તની સરખામણીમાં કમલ હસનના પ્રશંસકો ઘણાં ઓછા છે. રજનીકાન્તની પચાસ હજારથી વધારે ફેન ક્લબ છે જે એક વોટ બેંકની જેમ કામ કરે છે. તો કમલ હસનની ફેન ક્લબ સામાજિક કાર્યો કરવામાં વ્યસ્ત રહે છે. રજનીકાન્ત ફેન ક્લબની જેમ કમલ હસનના પ્રશંસકો તેમના સ્ટારની પૂજા કરવામાં નથી માનતા.

તામિલનાડુમાં ફિલ્મ સ્ટાર્સનું રાજકારણમાં ઝંપલાવવું સામાન્ય બાબત છે. તામિલનાડુમાં રાજકારણ અને સિનેમાનો સંબંધ ઘણો ગાઢ રહ્યો છે. ખાસ વાત એ કે મોટા ભાગના લોકો રાજકારણમાં ઘણાં સફળ નીવડ્યા છે અને ધારાસભ્યથી લઇને સાંસદ અને રાજ્યના મુખ્યમંત્રી પણ બની ચૂક્યાં છે.

એમજીઆર તરીકે લોકપ્રિય એમ.જી. રામચંદ્રન તામિલનાડુના પહેલા સુપરસ્ટાર હતાં જેમણે રાજકારણમાં પગ મૂક્યો. તેમણે અન્નાદ્રમુક (એઆઇએડીએમકે) નામની રાજકીય પાર્ટી બનાવી હતી. 1977થી 1987સુધી એમજીઆર રાજકારણ સાથે જોડાયેલા રહ્યાં અને તામિલ સુપરસ્ટાર તરીકેની પોતાની ઇમેજનો કામિયાબીપૂર્વક ઉપયોગ કરીને રાજકારણની દુનિયામાં એક નવો જ મુકામ હાંસલ કર્યો.

એમજીઆર બાદ તામિલનાડુના રાજકારણમાં ઝંપલાવ્યું લોકપ્રિય અભિનેત્રી જયલલિતાએ. 1961માં પોતાની ફિલ્મી કેરિયર શરૂ કરનાર જયરામ જયલલિતાએ આશરે 150 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1982માં જયલલિતા એમજીઆરની પાર્ટી એઆઇડીએમકેમાં જોડાયા અને જોતજોતામાં જ પક્ષના મહત્ત્વના નેતા બની ગયા.

1991માં જયલલિતા તામિલનાડુના મુખ્યમંત્રી પણ બન્યા. તામિલનાડુમાં જ હિન્દી વિરોધી રાજકારણથી પોતાની પક્કડ જમાવનાર કરુણાનિધિ પણ નાટયકાર અને પટકથા લેખક છે. તેઓ પાંચ વખત તામિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. કરુણાનિધિને રાજ્યમાં કલાના વિદ્વાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

હવે તામિલનાડુના રાજકારણમાં એક સાથે બે સુપરસ્ટારે ઝંપલાવ્યું છે. પહેલા રજનીકાન્ત અને હવે કમલ હસન. જોકે બંને સુપરસ્ટારની વિચારધારા અલગ અલગ હોવાનું મનાય છે. રજનીકાન્ત વડાપ્રધાન મોદીના નિકટના મનાય છે જ્યારે કમલ હસન મોદીની નીતિઓના કટ્ટર વિરોધી છે.

જોકે પોતાની પાર્ટીની શરૃઆત કરતા પહેલા ગયા જ રવિવારે કમલ હસન રજનીકાન્તને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતાં. જે બાદ રાજકીય અટકળો તેજ બની છે કે બંને સુપરસ્ટાર એક સાથે આવશે કે કેમ. હાલ તો આ સવાલનો જવાબ મળવો મુશ્કેલ છે.

રાજકીય વિશ્લેષકોના મતે હાલ તો બંને અભિનેતાઓ પોતપોતાના માર્ગે આગળ વધશે પરંતુ ભવિષ્યમાં બંને એક સાથે આવે એ શક્યતા નકારી શકાય એમ નથી. આમ તો બંને અભિનેતાઓએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી છે.

મુલાકાત બાદ કમલ હસને કહ્યું કે તેઓ જ્યારે રાજકીય કારકીર્દી શરૂ કરવા જઇ રહ્યાં છે એ અંગેની જાણકારી આપવા રજનીકાન્તના ઘરે ગયા હતાં. તો રજનીકાન્તે પણ કહ્યું છે કે કમલ હસન લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવવા માંગે છે અને તેમની આ નિયત વિશે શંકા થઇ શકે એમ નથી.

થોડા સમય અગાઉ રજનીકાન્તે પણ પોતાની રાજકીય પાર્ટીનું એલાન કર્યું ત્યારે કમલ હસને પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. ખાસ વાત એ કે બંને સુપરસ્ટાર વર્ષોથી ખાસ મિત્રો રહ્યાં છે એટલા માટે ભવિષ્યમાં બંને રાજકારણમાં જોડાણ કરે એવી શક્યતા પ્રબળ છે.

બીજી બાજુ કમલ હસન આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલથી ઘણાં પ્રભાવિત છે. કેજરીવાલને તેઓ રોલમોડેલ તરીકે જુએ છે. કેજરીવાલ સાથેની તેમની નિકટતાના કારણે જ તામિલનાડુમાં કમલ હસનની પાર્ટી લોન્ચ કરવાના પ્રસંગે કેજરીવાલ ઉપસ્થિત રહ્યાં છે.

કેજરીવાલ ઉપરાંત કેરળના મુખ્યમંત્રી અને સીપીએમ નેતા પિનરાઇ વિજયન સાથે પણ કમલ હસનના સારા સંબંધો છે. આ ભાજપ વિરોધી નેતાઓ ઉપરાંત કમલ હસન ડીએમકેના કરુણાનિધિ અને તેમના પુત્ર એમ.કે. સ્ટાલિનને પણ મળી ચૂક્યાં છે.

કમલ હસન મોદી સરકારની નીતિઓના પ્રખર વિરોધી છે એ તો તેઓ અનેક વખત જાહેરમાં કહી ચૂક્યાં છે. સાથે સાથે તેઓ જયલલિતાના એઆઇએડીએમકેના શાસનથી પણ નાખુશ છે. આ મામલે તેઓ પોતાનું પોલિટિકલ સ્ટેન્ડ પણ લઇ ચૂક્યાં છે જેનો અર્થ સ્પષ્ટ છે કે તેઓ અન્નાદ્રમુક વિરોધી વોટ ખેંચવા માંગે છે. જોકે આમ કરવાથી તેઓ ડીએમકેની વોટબેંકમાં ભાગ પડાવી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોના મતે ડીએમકેની વોટબેંક તોડવી સરળ નથી. તામિલનાડુનો ઇતિહાસ રહ્યો છે કે રાજ્યમાં એઆઇએડીએમકે અને ડીએમકે વારાફરતી સત્તામાં આવતા રહ્યાં છે. જાણકારોના મતે શહેરી મધ્યમ વર્ગને પોતાની તરફ આકર્ષવામાં કમલ હસનને સફળતા મળી શકે છે પરંતુ વિશાળ ગ્રામીણ સમુદાયને પોતાની તરફ ખેંચવા માટે તેમણે વિશેષ મહેનત કરવી પડશે.

ઘણાં જાણકારોનું માનવું છે કે રાજકારણમાં પ્રવેશવા માટે રજનીકાન્ત અને કમલ હસને થોડું મોડું કર્યું છે. અગાઉ એમજીઆર અને જયલલિતા રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તેમની ફિલ્મી કારકિર્દી ટોચે હતી. જોકે રાજકારણમાં પાકા પાયે કશું કહી શકાય એવું નથી હોતું.

તેલગુ મેગાસ્ટાર એન.ટી. રામારાવ પણ અચાનક જ પોતાની તેલગુ દેશમ પાર્ટી સાથે આંધ્રપ્રદેશના રાજકારણમાં પ્રવેશ્યા અને રાજ્યના મુખ્યમંત્રીપદ સુધી પણ પહોંચી ગયા હતાં. હવે ફિલ્મી કેરિયરમાં અપ્રતિમ સફળતાને વરનાર ક્મલ હસન રાજકારણમાં કેટલા સફળ નીવડે છે એ તો આવનારો સમય જ કહશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter