ઉમેદવારો નક્કી કરવા ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિનો 21મી તારીખ પછી આ છે પ્લાન

દિવાળી પછી રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળશે. 21 થી 26 ઓકટોબર દરમ્યાન ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી અને નિરીક્ષકો દ્વારા આવનારા અહેવાલો પર સમીક્ષા થશે.

દિવાળી પછી ચૂંટણીનો ધમધમાટ શરૂ થશે. બુધવારે દિવાળીના તહેવારો બાદ ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જબરજસ્ત રીતે શરૂ થશે. બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા તેનાં ઉમેદવારોની પસંદગી અને મતદારોને કેવી રીતે રીજવવા તેની વ્યૂહરચના ઘડાશે.

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબર દરમિયાન મળશે. ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને સમીક્ષા માટે 21 ઓકટોબર એટલે કે ભાઇબીજનાં દિવસથી અડાલજ પાસે આવેલા શાંતિનિકેતન ખાતે આ બેઠકનો પ્રારંભ થશે. જે સતત 6 દિવસ એટલે કે 26 ઓકટોબર સુધી ચાલશે. 21-22મીએ ઉત્તર ઝોનની, 23મીએ દક્ષિણ ઝોનની, 24 અને 25મીએ મધ્ય ઝોનની જયારે 26મી ઓકટોબરે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકોની સમીક્ષા કરાશે.

ભાજપે નિયુકત કરેલા ત્રણ નિરિક્ષકોએ જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોની મુલાકાત લઇને ઉમેદવારોના સંદર્ભના અહેવાલો તૈયાર કર્યા છે. વિધાનસભા બેઠક સંદર્ભમાં વિસ્તૃત નોંધ તૈયાર કરી છે. જેના પર પ્રદેશ ચૂંટણી સમિતિ 6 દિવસ સુધી ચર્ચા-વિચારણા કરશે.

સમિતિ પોતાને મળેલી દરખાસ્તો, અહેવાલ અને વિશેષ સૂચનાઓને આધારે રાજ્યની 182 વિધાનસભા બેઠકોના અહેવાલ તૈયાર કરશે. જેને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરી મંજૂરી આપશે. ત્યાર બાદ ઉમેદવારોની યાદી જાહેર કરાશે. આ સમિતિમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના 14 સભ્યો રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter